જામનગર શહેરના ગુલાબનગર શાક માર્કેટ પાસે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને પોલીસે 50,400ની રોકડ અને બાઇક તથા મોબાઇલ મળી રૂા.1.40 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી જુગાર રમતા 4 શખ્સોને રૂા.40,700ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના નાગનાથ ગેઇટ પાસેથી તીનપતી રમતા છ શખ્સોને પોલીસે રૂા.80,800ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં ગુલાબનગર શાક માર્કેટવાળી શેરીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન સુભાષગીરી જયંતીગીરી ગોસ્વામી, કિર્તી દિલીપ રાજપાલ, ભોપાલ વિરમ ચુડાસમા, શશી નારણ માંડવિયા, ગગુ માનસુર છૈંયા, સંજય બાબુ મકવાણા નામના છ શખ્સોને રૂા.50,400ની રોકડ અને રૂા.20,000ની કિંમતના 4 નંગ મોબાઇલ તથા રૂા.70,000 ની કિંમતની બે બાઇક મળી કુલ રૂા.1,40,400ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા દરોડામાં જામનગરના ગુલાબનગરમાં જાહેરમાં તીનપતી રમતા કિરીટ પરસોતમ પરમાર, રાજેશ કરશન પરમાર, નિલેશ જીવરાજ સોનગરા, અશોક વાસુદેવ ભટ્ટ નામના 4 શખ્સોને પોલીસે રેઇડ દરમ્યાન રૂા.11,200ની રોકડ અને 9,500ની કિંમતના ચાર મોબાઇલ તથા 20,000ની કિંમતની એક બાઇક મળી કુલ રૂા.40,700ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજા દરોડામાં જામનગર શહેરમાં નાગનાથ ગેઇટ પાસે કોમ્પલેક્સના પાર્કીંગમાં તીનપતીનો જુગાર રમતા નિલેશ નરોતમ બથિયા, ધીરૂ ખીમજી પવાર, પ્રકાશ જેન્તીલાલ માનસત્તા, રજની વલ્લભ સંઘાણી, બિરજુ મોહન સિનોરિયા, ધીરજ કાળુ બારિયા નામના છ શખ્સોને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા.80,800ની રોકડ અને ગંજીપન્ના સહિત ઝડપી લઇ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.