દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી એકતરફી રહી હતી. દ્રૌપદી મુર્મૂએ તેમના હરીફ અને વિરોધ પક્ષના ઉમેદવાર યશવંત સિંહાને કારમો પરાજય આપી ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈને ઈતિહાસ રચ્યો હતો. મુર્મૂને આ ચૂંટણીમાં 64 ટકાથી વધુ મતો મળ્યા હતા. આમ હવે તેઓ રામનાથ કોવિંદના અનુગામી બન્યા છે. 25મી જુલાઇએ તેઓ રાષ્ટ્રપતિપદના શપથ લેશે. રાષ્ટ્રપતિની મતગણતરીની પ્રક્રિયા આશરે 10 કલાક ચાલી હતી. રિટર્નિંગ ઓફિસર પી સી મોદીએ મુર્મૂને વિજેતા જાહેર કર્યા હતાં અને કહ્યું હતું કે તેમણે સિંહાના 3,80,177ની તુલનાએ કુલ 6,76,803 મતો મેળવ્યા હતા. તેઓ આઝાદી પછી જન્મનાર પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે. મતગણતરીના ત્રીજા રાઉન્ડ પછી જ તેમની જીત નિશ્ર્ચિત થઇ ગઇ હતી. રિટર્નિંગ ઓફિસરે જાહેરાત કરી હતી કે મુર્મૂએ કુલ માન્ય મતના 53 ટકા મતો હાંસલ કરી લીધા છે. જોકે એ પછી 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના બેલેટ પેપર્સની ગણતરી બાકી હતી. તેમના હરીફ યશવંત સિંહાએ મતગણતરીના ત્રીજા તબક્કા બાદ જ હાર સ્વીકારી લીધી હતી.
જીતની જાહેરાત થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ભારતે ઇતિહાસ રચ્યો છે. હાલમાં જ્યારે દેશના 1.3 અબજ લોકો આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આદિવાસી સમુદાયની એક દીકરી આપણાં રાષ્ટ્રપતિ બન્યાં છે.’ અનેક ટ્વિટ્સમાં તેમણે કહ્યું હતું કે ‘દ્રોપદી મુર્મૂનું જીવન સંઘર્ષોથી ભરેલું છે, પરંતુ તેમની અદ્ભુત સફળતા દરેક ભારતીયને પ્રેરણા આપે છે.’ ઉલ્લેખનીય છે કે મુર્મૂ દેશના સૌથી મોટા આદિવાસી જૂથોમાંથી એક મનાય છે. મુર્મૂને રાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવીને ભાજપે એક કાંકરે બે શિકાર કર્યા છે. હવે તેણે આમ કરીને ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં અનુસૂચિત જનજાતિ સમુદાયના મતો પર મીટ માંડી છે.