Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાની પાંચ બેઠક માટે 145 ફોર્મ ભરાયા

જામનગર જિલ્લાની પાંચ બેઠક માટે 145 ફોર્મ ભરાયા

જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર સૌથી વધુ 41 તથા કાલાવડ વિધાનસભા બેઠક ઉપર સૌથી ઓછા 16 નામાંકનપત્ર રજૂ થયા: આજે ઉમેદવારી પત્રની ચકાસણી : 17 નવેમ્બર સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે : ત્યારબાદ સાચું ચિત્ર સ્પષ્ટ થશે

- Advertisement -

જામનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતની 89 વિધાનસભા બેઠકો ઉપર આગામી પહેલી ડિસેમ્બરે યોજાનાર પ્રથમ તબકકાના મતદાન માટે ગઇકાલે સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય જામનગર જિલ્લાની કુલ પાંચ વિધાનસભા બેઠકો ઉપર 145 ઉમેદવારી પત્રો રજૂ થયા છે. આ વખતે ભાજપ કોંગ્રેસની સાથે-સાથે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગના મેદાને હોય ત્રિપાંખિયો જંગ જોવા મળશે. જામનગર જિલ્લાની જામનગર ઉતર વિધાનસભા બેઠક ઉપર સૌથી વધુ 41 ફોર્મ તો કાલાવડ બેઠક ઉપર સૌથી ઓછા 16 ફોર્મ રજૂ થયા હતા.

- Advertisement -

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક ઉપર ગત તા. 5 નવેમ્બરથી ઉમેદવારી પત્રો ભરાવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. જેમાં 9 નવેમ્બર સુધી માત્ર ઉમેદવારી પત્રો ઉપડયા હતા એક પણ ફોર્મ રજૂ થયું ન હતું. ત્યારબાદ તા. 10ના રોજ 1, તા. 11ના રોજ 18, તથા ગઇકાલે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસે ઉમેદવારોનો રાફડો ફાટતાં પાંચ વિધાનસભા બેઠકો ઉપર 126 ફોર્મ ભરાયા હતા. જેમાં અત્યાર સુધીમાં 76 કાલાવડ વિધાનસભા બેઠક ઉપર 16 ફોર્મ, 77 જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ઉપર 31 ફોર્મ, 78 જામનગર ઉતર વિધાનસભા બેઠક ઉપર 41 ફોર્મ, 79 જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક ઉપર 33 ફોર્મ તથા 80 જામજોધપુર વિધાનસભા બેઠક ઉપર 24 ઉમેદવારી પત્રો મળી કુલ 145 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા.

ગઇકાલે ઉમેદવારી પત્રો રજૂ કરવાના અંતિમ દિવસે જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપાના રાઘવજી પટેલ, કોંગ્રેસના જીવણભાઇ કુંભરવડિયા, કોંગ્રેસમાંથી બળવો કરનાર કાસમખફીએ બહુજન સમાજ પાર્ટીમાંથી, જામનગર ઉતર વિધાનસભા બેઠક ઉપર ભાજપાના રિવાબા રવીન્દ્રસિંહ જાડેજા, જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક ઉપરથી ભાજપાના દિવ્યેશ અકબરી, આમ આદમી પાર્ટીના વિશાલ ત્યાગી, જામજોધપુર બેઠક પરથી ભાજપાના ચીમનભાઇ સાપરિયા સહિતના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો તેમજ બહુજન સમાજ પાર્ટી, અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. આજે જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોના ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ આવતીકાલે અને ગુરૂવારે તા. 17 સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. તા. 17 ઉમેદવારી પત્રો પરત ખેંચાયા બાદ ચૂંટણીનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે. આ દરમ્યાન રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી કાર્યાલય ખોલી આજથી પ્રચાર પ્રસારનો પ્રારંભ કરી દીધો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular