ધ્રોલ તાલુકાના મોટા ઇટાળાથી હમાપર જવાના રસ્તે હોકળામાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં પાંચ શખ્સને પોલીસે ઝડપી લઇ રોકડ સહિત રૂા. 38,700નો મુદામાલ કબ્જે કર્યો હતો. લાલપુર તાલુકાના ઝાખર ગામમાંથી ચાર શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ પોલીસે રૂા. 10,290ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. જામનગરમાં ટીબી હોસ્પિટલ નજીક એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી પોલીસે રેઇડ દરમ્યાન પાંચ મહિલા સહિત આઠ શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ નોટીસ આપી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ મોટા ઇટાળાથી હમાપર જવાના કાચા રસ્તે તાળીવાડી વિસ્તારમાં આવેલ હોકળામાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે રેઇડ દરમ્યાન પ્રવીણ અમૃતલાલ નિમાવત, કાંતિલાલ ગંગારામ સંતોકી, નિલેશ લાલજી ગડારા, નરેન્દ્રસિંહ રામસંગ જાડેજા તથા લાલુભારતી બચુભારતી ગોસાઇ નામના પાંચ શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા. 38,600ની રોકડ તથા રૂા. 100ની ટોર્ચ લાઇટ સહીત રૂા. 38,700નો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો લાલપુર તાલુકાના ઝાખર ગામમાં તુલસી પાનની બાજુમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન કાથળજી જેઠીજી ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ પ્રભાતસિંહ જેઠવા, મહાવીરસિંહ ચંદુભા જાડેજા તથા રાજેન્દ્રસિંહ ખાનુભા જાડેજા નામના ચાર શખ્સને તીનપતીનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 10,290ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો જામનગર શહેરમાં ટીબી હોસ્પિટલ પાસે પ્રતીક એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી ‘બી’ પોલીસે રેઇડ દરમ્યાન દિવ્યેશ મહેન્દ્રગિરિ ગોસાઇ, ધવલ મનિષ નડિયાપરા, પ્રશાંત નીતિન ગોસ્વામી તથા પાંચ મહિલાઓ સહિત કુલ આઠ શખ્સોને રૂા. 10,100ની રોકડ સાથે તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ નોટીસ આપી હતી.


