Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરની જીવાદોરી સમાન સસોઇ ઉપરાંત 14 ડેમ ઓવરફલો

જામનગરની જીવાદોરી સમાન સસોઇ ઉપરાંત 14 ડેમ ઓવરફલો

છ ડેમના દરવાજાઓ ખોલવામાં આવ્યા : ડેમની હેઠવાસમાં આવતાં ગામના લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ

- Advertisement -

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર સચરાચર મેઘકૃપા જોવા મળી હતી. કેટલાંક સ્થળોએ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સામે આવી હતી. ત્યારે થયેલા ભારે વરસાદને પરિણામે રાજ્યના અનેક ડેમો ઓવરફલો થયા છે. જામનગર શહેરને પીવાનું પાણી પુરું પાડતો સસોઇ ડેમ ઉપરાંત જામનગર જિલ્લાના કુલ 14 જેટલા ડેમો 100 ટકા ભરાઇ ચૂકયા છે. જેને લઇ લોકોમાં પણ રાહતની લાગણી છવાઇ છે.

- Advertisement -

જામનગર શહેર-જિલ્લામાં મંગળવાર રાત્રીના સમયથી આવેલા વાતાવરણમાં પલ્ટા સાથે મેઘરાજાનું પુન: આગમન થયું હતું. મેઘરાજાના પુન: આગમનથી જામનગર જિલ્લાના 14 જેટલા જળાશયો 100 ટકા ભરાઇ ચૂકયા છે. લાલપુર તાલુકા અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પરિણામે ઢાંઢર નદી બે કાંઠે થઇ હતી. ઢાંઢર નદી બે કાંઠે થતાં આ તમામ પાણી સસોઇ ડેમ તરફ વહેતુ થયું હતું. જેને પરિણામે સસોઇ ડેમમાં પાણીની જંગી આવક થતાં રાત્રી સુધીમાં સસોઇ ડેમ છલકાઇ ગયો હતો. સસોઇ ડેમ છલકાતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતાં. સસોઇ ડેમની સાથે જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ પણ પ્રથમ વરસાદે ઓવરફલો થયા બાદ હજૂ સુધી ઓવરફલો થઇ રહ્યો છે. રણજીતસાગર ડેમની સાથે રંગમતિ ડેમ પણ ઓવરફલો થતાં જામનગરની રંગમતિ-નાગમતિ નદી બે કાંઠે થઇ હતી.

જામનગર શહેર-જિલ્લાના 17 જેટલા ડેમો સંપૂર્ણ ભરાઇ ચૂકયા છે. જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઉપરાંત સસોઇ ડેમ ઓવરફલો થઇ રહ્યાં છે. આ ઉપરાંત પન્ના, ફૂલઝર-2, રૂપાવટી, સપડા, વોડીસંગ, ફૂલઝર-1, રૂપારેલ, વાગડીયા, સસોઇ-2, ઉંડ-4, બાલંભડી ડેમ 100 ટકા ભરાઇ જતાં ઓવરફલો થઇ રહ્યાં છે. આ ઉપરાંત રંગમતિ ડેમનો એક દરવાજો, કંકાવટી ડેમનો એક દરવાજો, ઉંડ-1ના આઠ દરવાજા, ઉંડ-2ના દસ દરવાજા, ફૂલઝરના બે દરવાજા તથા ઉમિયાસાગર ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતાં નિચાણવાળા વિસ્તારોને પણ સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -

સસોઇ ડેમ છલકાતા જામનગરના દોઢિયા, બાલંભા, ગળુકા, સાપર, આમરા, વસઇ, સરમત, બેડ, લાલપુરના પિપળી, કાનાછીકારી તથા દેરાછીકારી સહિત 11 ગામના નિચાળણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત ઉંડ-1 ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા હોય, ધ્રોલ તાલુકાના હમાપર, જાલિયા, માનસર, નથુવડલા, સોયલ, વણાંકીયા, વિરાણી, ખિજડીયા, રોઝિયા, જામનગર તાલુકાના તમાચણ, રાવણખિજડીયા, ખંભાલિડા, ધ્રાંગડા તથા જોડીયાના લખતર ગામોના લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. રંગમતિ ડેમનો એક દરવાજો ખોલતાં જામનગરના ચંગા, ચેલા, દરેડ, નવાનાગના, જુનાનાગના, નવાગામ ઘેડ, જામનગર શહેરના નિચાણવાળા વિસ્તારોને અસર થઇ શકે છે. ઉંડ-2 ડેમના 10 દરવાજા ખોલવામાં આવતાં ધ્રોલના મજોઠ, જોડીયાના આણદા, બાદનપર, ભાદરા, જોડિયા, કુન્નડ, ફૂલઝર ડેમના બે દરવાજા ખોલવામાં આવતાં જામજોધપુરના કોટડાબાવીસી, ગીંગણી, સિદસર, વાલાસણ, ધ્રાફા, આંબરડીમેવાસા, આંબરડી મેઘપર, ઉપલેટાના હરિયાસણ, ખરચીયા, ચારડીયા, રાજપર તથા રબારીકા સહિતના વિસ્તારના નિચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફલો થતાં જામનગરના દડીયા, નવામોખાણા, જુનામોખાણા, ખિમલીયા, મોરકંડા, પટારીયા તથા ચારણવાસ સહિતના વિસ્તારોને સાવચેત રહેવા જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular