ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા ગતરાત્રે હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ધરાર નગર, હુસેની ચોકથી આગળ સ્ટ્રીટ લાઇટના અજવાળે બેસીને ગંજીપત્તા વડે તીનપત્તિ નામનો જુગાર રમી રહેલા કિશન દેવા મસુરા, કિશન વિરપાલ મસુરા, લાલા ખીમનાથ ગોસ્વામી, જય જગદીશ ગોસાઈ અને ભરત કારુ ભારવાડીયા નામના પાંચ શખ્સોને ઝડપી લઇ પોલીસે રૂા. 15,350 રોકડા તથા ત્રણ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂા.25,850 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ દરોડા દરમ્યાન શક્તિનગર વિસ્તારમાં રહેતો રાજુ હરભમ ભાચકન નામનો શખ્સ ફરાર થઈ ગયો હોવાનું જાહેર થયું છે. પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે રાત્રે બે વાગ્યે જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા હઠુભા અજીતસિંહ ચુડાસમા, દિગ્વિજયસિંહ નટુભા વાઘેલા, અનિરૂધ્ધસિંહ રણજીતસિંહ ચુડાસમા, મંગુભા નારણજી જાડેજા અને હિતેન્દ્રસિંહ હમીરજી જાડેજા નામના પાંચ શખ્સોને રૂા. 11,940 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
જ્યારે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામેથી સ્થાનિક પોલીસે રાત્રિના સાડા બારેક વાગ્યાના સુમારે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા રવિ શાંતિલાલ અઘારિયા, વિજય કરસન ચૌહાણ અને વાલા મોહન વાઘેલા નામના ત્રણ શખ્સોને રૂા. 4,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.