2021-22ના ડિસેમ્બર કવાર્ટરમાં કેન્દ્ર સરકાર પરનું કુલ દેવું 2.15% વધીને રૂ. 128.41 લાખ કરોડ થયું છે. જુલાઈ-સપ્ટેમ્બર કવાર્ટરમાં કુલ રૂ. 125.71 લાખ કરોડની જવાબદારી હતી. આ દરમિયાન સરકારે 75,300 કરોડ રૂપિયાની લોન ચૂકવી દીધી. સોમવારે જાહેર કરાયેલા નાણા મંત્રાલયના અહેવાલમાં જણાવાયું છે કે ડિસેમ્બર કવાર્ટરમાં કુલ જવાબદારીઓમાં જાહેર દેવાનો હિસ્સો વધીને 91.6% થયો છે, જે સપ્ટેમ્બર કવાર્ટરમાં 91.15% હતો. આ સમયગાળા દરમિયાન, સરકારે કુલ 2.88 લાખ કરોડની ડેટ સિકયોરિટીઝ જારી કરી હતી. સપ્ટેમ્બર કવાર્ટરમાં રૂ. 2.83 લાખ કરોડની ડેટ સિકયોરિટીઝ જારી કરવામાં આવી હતી.
આ સિકયોરિટીઝમાં કોમર્શિયલ બેન્કોનો હિસ્સો દ્યટીને 35.40 ટકા થયો છે જે સપ્ટેમ્બર કવાર્ટરમાં 37.82 ટકા હતો. ડિસેમ્બર કવાર્ટરમાં જારી કરાયેલ કુલ ડેટ સિકયોરિટીઝમાંથી 25% પાંચ વર્ષથી ઓછી મુદતની પાકતી મુદત ધરાવે છે. ઓકટોબર-ડિસેમ્બર કવાર્ટરમાં વીમા કંપનીઓ અને પ્રોવિડન્ટ ફંડનો હિસ્સો અનુક્રમે 25.74 ટકા અને 4.33 ટકા હતો. મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો 3.08 ટકા અને આરબીઆઈનો હિસ્સો 16.92 ટકા હતો. સપ્ટેમ્બર કવાર્ટરમાં 16.98 ટકાની સરખામણીએ ડિસેમ્બર કવાર્ટરમાં મધ્યસ્થ બેન્કનો હિસ્સો ઘટ્યો હતો, એમ અહેવાલમાં જણાવાયું છે. સ્થાનિક મોરચે, રિઝર્વ બેન્કે સિકયોરિટીઝ હસ્તગત કરવાની યોજના બંધ કર્યા પછી ત્રીજા કવાર્ટરમાં બજાર દબાણ હેઠળ રહ્યું હતું. વધારાના ઋણ અને મોંઘવારી વધવાના ભયે પણ મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. નાણા મંત્રાલયે કહ્યું કે 10 વર્ષની પાકતી મુદતવાળી સરકારી સિકયોરિટીઝ પર વ્યાજ વધ્યું છે. આના પર ડિસેમ્બર કવાર્ટરમાં 6.45 ટકાના દરે વ્યાજ મળ્યું હતું, જે સપ્ટેમ્બર કવાર્ટરમાં 6.22 ટકા હતું. રેપો રેટને 4 ટકા પર યથાવત રાખવાના આરબીઆઈના નિર્ણયે 10 વર્ષની પાકતી મુદત ધરાવતી સરકારી સિકયોરિટીઝને ટેકો આપ્યો છે.