દેશના વિવિધ રાજયોમાં તબક્કાવાર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. કર્ણાટક ચૂંટણીનું 10મેના રોજ મતદાન અને 13મેના રોજ પરિણામ જાહેર થવાનું છે. ત્યારે ગુજરાત ભાજપના 125 જેટલા નેતા કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે જશે. જેમાં મુખ્ય ચહેરો પૂર્ણેશ મોદી રહેશે. આ ચૂંટણી પણ ગુજરાત મોડલના આધારે લડાશે તેવું પ્રદેશ ભાજપના સૂત્રોનું કહેવું છે. ગુજરાતની જેમ કર્ણાટકમાં પણ વિરોધ પક્ષો આર્શ્ર્ચચકિત થઇ જાય તેવા પરિણામો લાવવા માટે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ ભાજપના ક્ધવીનર યજ્ઞેશ દવેએ કર્ણાટકમાં મીડિયા સેન્ટર ઉભું પણ કરી દીધું છે.
ગુજરાતના નેતાઓ પણ પ્રચારકોની યાદીમાં હોવાથી તાજેતરમાં જ ખુબ ચર્ચામાં રહેલા રાહુલ ગાંધીના મોદી સરનેમ કેસની પણ ચર્ચા સપાટી પર રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઇ હતી. જેના લીધે કર્ણાટકની ચૂંટણીમાં સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને પણ પ્રચારક તરીકે સ્થાન મળ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
લોકસભાની ચૂંટણી પહેલા કર્ણાટકમાં બહુમત હાંસલ કરવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. જે રીતે ગુજરાતમાં પેજ પ્રમુખની પદ્ધતિ અપનાવવા આવી તેવી જ રીતે કર્ણાટકમાં પેજ પ્રમુખ નિમાશે. પેજ પ્રમુખના આધારે મહત્તમ મતદાન પોતાના તરફી કરાવી પરિણામ ભાજપ તરફી આવે તેવા પ્રયાસ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ટીમ ગુજરાત તરફથી હાથ ધરવામાં આવ્યા છે. અત્યારે પ્રાથમિક તબક્કે 15 એપ્રિલ બાદ 125 જેટલા ભાજપના નેતાઓ કર્ણાટક જાય તેવી શકયતા છે. હજુ આ આંક વધે તો નવાઇ નહીં. કર્ણાટક માટે મુખ્યત્વે હિન્દી તેમજ અંગ્રેજી સારી રીતે બોલી શકે તેવા નેતાઓની પસંદગી થઇ રહી છે તેમ સૂત્રોનું કહેવું છે. ઉલ્લેખનિય છે કે, ભાજપે માત્ર ગુજરાતમાંથી નહીં, પણ તમામ રાજ્યોમાંથી 50 જેટલા નેતાઓને ચૂંટણીની જવાબદારી સોંપી છે. ગુજરાતમાંથી સૌથી વધારે નેતાઓને મોકલવામાં આવ્યા છે, આમ પણ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાના શીરે કર્ણાટકની ચૂંટણીની જવાબદારી છે. આવા સંજોગોમાં ગુજરાતમાં તાજેતરના સારા પરિણામોને ધ્યાનમાં રાખી ગુજરાત મોડલથી કર્ણાટકમાં પણ ચૂંટણીની રણનિતી બની રહી છે તેવું ભાજપના સૂત્રોનું કહેવું છે.