જામનગરમાં રહેતાં શિક્ષીત મહિલાના સોશિયલ મીડિયા પરના ઓરીજનલ આઈડીમાંથી દાહોદના શખ્સે મહિલાનો ફોટો મોર્ફ કરી જુદા-જુદા 12 ફેક આઈડી બનાવનારને સાયબર ક્રાઈમ પોલીસે પૂણેમાંથી દબોચી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
વિશ્ર્વભરમાં મોબાઇલ ફોનના ઉપયોગ વધવાની સાથે સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ અનેકગણો વધી રહ્યો છે અને આ સોશિયલ મીડિયાના કારણે સાયબર ક્રાઈમની ઘટનાઓમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. જો કે, આ ક્રાઈમ સંદર્ભે પોલીસ અને તંત્ર દ્વારા અવાર-નવાર પ્રજાને જાગૃત કરવા માટે જરૂરી સૂચનો અને અપીલ કરવા માટે આવે છે તેમ છતાં આવા ગુનાઓ બનતા રહે છે. હાલમાં જામનગર શહેરમાં રહેતાં શિક્ષિત મહિલાના સોશિયલ મીડિયા આઈડીમાંથી પ્રોફાઈલ પીકચરનો સ્ક્રીનશોર્ટ લઇ મહિલાના નામમાં અભદ્ર શબ્દ ઉમેરી ફોટાને અશ્ર્લીલ રીતે મોર્ફ કરી ફેક આઈડી બનાવી આ ફોટો પ્રોફાઈલ પિકચરમાં રાખ્યો હતો તેમજ મહિલા તથા તેમના બે પુત્રોના નામનો ઉપયોગ કરી જુદા જુદા નામથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક ડઝન જેટલી આઈડી બનાવી હતી. તેમજ મહિલા અને તેના પુત્રની સમાજમાં બદનામી થાય તે હેતુથી સગા સંબંધીઓ અને પુત્રના મિત્ર વર્તુળો તથા કર્મચારીઓને રીકવેસ્ટ મોકલી મેસેજ કરી અશ્ર્લીલ કોમેન્ટો મુકી હતી.
આ ઘટના બાદ મહિલા દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી પી ઝા, પીએસઆઈ એ.આર. રાવલ તથા ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ પુજાબેન ધોળકીયા, હેકો કુલદિપસિંહ જાડેજા, પ્રણવ વસરા, એલઆરપીસી વીકી ઝાલા તથા સ્ટાફ દ્વારા આરોપીના ટેકનીકલ એનાલિસીસ અને માહિતી એકઠી કરી લોકેશનના આધારે સતત વોચમાં રહી મહારાષ્ટ્રના પૂણેમાંથી પોલીસે નિપૂણ રજનીકાંત પટેલ નામના શખ્સને દબોચી લીધો હતો. નિપૂણ દ્વારા ઓરીજનલ આઈડીમાંથી પ્રોફાઈલ પીકચરનો સ્ક્રીનશોર્ટ લઈ અશ્ર્લીલ રીતે મોર્ફ કરી ઈન્સ્ટાગ્રામ તથા ટવીટરના ફેક આઈડીમાં રાખ્યા હતાં. તેમજ અભદ્ર શબ્દો ઉમેરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ અલગ 12 ફેકઆઈડી બનાવી હતી અને ટવીટરના માધ્યમથી અશ્ર્લીલ કોમેન્ટ કરી મહિલાના મિત્ર વર્તુળ અને પરિવારજનોમાં સમાજમાં બદનામ કરવાના ઈરાદાથી ફેકઆઈડીનો ઉપયોગ કર્યો હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસે વધુ તપાસ આરંભી હતી.