જામનગર શહેરમાં દિનપ્રતિદિન કોરોના ના કેસ વધતા જતા હોવાથી મહાનગર પાલિકાની આરોગ્ય શાખાની ટુકડી દ્વારા શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં કોરોના ટેસ્ટ ની પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવી છે. જુદા-જુદા ભીડવાળા વિસ્તારોમાં કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે. જેમાં એસ્ટેટ શાખાને પણ મદદ લેવાઈ રહી છે.
જામનગર શહેરમાં સોશિયલ ડિસ્ટન્સ નું પાલન જળવાયેલું રહે, તેમજ લોકો માસ્ક પહેર્યા વિના નીકળે નહીં તે માટે છેલ્લા એક અઠવાડિયાથી જામનગર મહાનગરપાલિકાની જુદી જુદી ૬ ટુકડીઓ દોડધામ કરી રહી છે, અને એક સપ્તાહ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરનારા ૬૮ લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે, અને તેઓ પાસેથી રૂપિયા ૨૯ હજારનો દંડ વસૂલાયો છે. તે જ રીતે માસ્ક પહેર્યા વિના નીકળેલા લોકો સામે પણ દંડનીય શસ્ત્ર ઉગામ્યું છે, અને તેઓ પાસેથી રૂપિયા ૪૭ હજારનો દંડ વસૂલાયો છે. સમગ્ર શહેરમાં સપ્તાહ દરમિયાન કુલ ૧૧૫ કેસ કરાયા છે, જ્યારે રૂપિયા ૭૬ હજારના દંડની વસુલાત કરાઇ છે. જે કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે.