રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવારો પૂર્વે ઉચ્ચ અધિકારીઓની બઢતી અને બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. શનિવારે 10 જેટલાં આઇએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર બાદ ગઇકાલે રવિવારે રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા જામનગરના 9 નાયબ મામલતદાર સહિત રાજ્યના 118 નાયબ મામલતદારોને બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત હાલારના 6 સહિત રાજ્યના 155 મામલતદારની બદલી કરવામાં આવી છે.
રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા ગઇકાલે નાયબ મામલતદાર વર્ગ-3 કક્ષાના કર્મચારીઓને મામલતદાર વર્ગ-2માં બઢતી આપવામાં આવી છે. જામનગરના 9 નાયબ મામલતદાર સહિત રાજ્યના કુલ 118 નાયબ મામલતદારને બઢતીથી નિમણૂંક આપવામાં આવી છે. જેમાં જામનગરના શોભનાબેન ફળદુને બઢતી સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધા ખાતે, જામનગરના બલવંતસિંહ રેવરને બઢતી સાથે અમરેલિ જિલ્લાના બાબરા ખાતે, જામનગર જિલ્લાના દક્ષાબેન જગડને બઢતી સાથે અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે ચીટનીશ તરીકે, જામનગર જિલ્લાના મહેન્દ્રભાઇ સૂચકને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે મામલતદાર ચૂંટણી તરીકે, જામનગરના દક્ષાબેન રીડાણીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ મામલતદાર તરીકે, જામનગરના મહેશકુમાર દવેને રાજકોટ જિલ્લા કલેકટર કચેરી મામલતદાર ચૂંટણી તરીકે જામનગરના ગુમાનસિંહને જુનાગઢ જિલ્લા કલેકટર કચેરી ચિટનીશ તરીકે, જામનગરના ભૂદરકુમાર સવસાણીને ભાવનગર જિલ્લાના વલ્લભીપુર મામલતદાર તરીકે તથા જામનગરના પ્રકાશભાઇ મહેતાને અમરેલી જિલ્લા કલેકટર કચેરી જનસંપર્ક અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા મામલતદાર વર્ગ-2 સંવર્ગના 155 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં હાલાર જિલ્લાના 6 મામલતદારને બદલી કરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લાના જોડિયાના મામલતદાર પી.કે. સરપદડીયાને જામનગર કલેકટર કચેરી મામલતદાર પ્રોટોકોલ તરીકે, જામનગર જિલ્લાના જામજોધપુરના મામલતદાર ધર્મેશ કાછડને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ રૂરલના મામલતદાર તરીકે, જામનગર જિલ્લાના જામનગર ગ્રામ્ય મામલતદાર કમલેશભાઇ કરમટ્ટાને રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના એડીશનલ ચિટનીશ તરીકે, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કચેરી મામલતદાર કેતનભાઇ વાઘેલાને જામનગર જિલ્લાના જામજોધપુરના મામલતદાર તરીકે, જામનગર મામલતદાર ચૂંટણી અક્ષર વ્યાસને અમદાવાદ જિલ્લાના દસક્રોઇના મામલતદાર તરીકે, જામનગરના જામનગર મહાનગરપાલિકાની મધ્યાહન ભોજન યોજના મામલતદાર જે.ડી. જાડેજાને જામનગર શહેર મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે.
જામનગરના 9 સહિત રાજ્યના 118 નાયબ મામલતદારને બઢતી
હાલારના 6 સહિત રાજ્યના 155 મામલતદારની બદલી