જામનગર મહાપાલિકાની શિક્ષણ સમિતિની ચૂંટણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 11 બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જયારે બે સરકારી સભ્યોના નામની યાદી પણ જાહેર કરવામાં આવી છે.
આગામી 28 ઓકટોબરે યોજાનારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 13 પૈકી 11 બેઠકોની ચૂંટણી માટે ભાજપા તરફથી મનિષાબેન બાબરિયા, મનિષભાઇ કનખરા, યાત્રીબેન ત્રિવેદી, સંજયભાઇ દાઉદિયા, પરસોત્તમભાઇ કાકનાણી, દિનેશભાઇ આલ, બિમલભાઇ સોનછાત્રા, રમેશભાઇ કંસારા, પ્રજ્ઞાબા સોઢા, નારણભાઇ મકવાણા તથા નિલેશભાઇ હાડાએ પોતાના ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી એવા મેયર બિનાબેન કોઠારી સમક્ષ રજૂ કર્યા હતા. આ ઉપરાંત શિક્ષણ સમિતિમાં બે સરકારી સભ્યોની પણ નિમણૂંક કરવાની થાય છે જે માટે મુકેશભાઇ વસોયા અને રઉફભાઇ ગઢકાઇના નામ જાહેર કરવામાં આવ્યા છે. આજે બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે. બીજી તરફ વિપક્ષ તરફથી સામાન્ય બેઠક પર આનંદ ગોહિલે પણ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યુ હતું.
આજે ઉમેદવારી પત્રો રજૂ થઇ ગયા બાદ તેની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ જો જરૂર જણાશે તો આગામી 28 ઓકટોબરે મતદાન યોજાશે. દરમ્યાન ભાજપ તરફથી જે 11 નામો જાહેર કરવામાં આવ્યા છે તે પૈકી પૂર્વ કોર્પોરેટર મનિષ કનખરાને શિક્ષણ સમિતિના આગામી ચેરમેન બનાવવામાં આવે તેવી સંભાવના સૂત્રો દ્વારા દર્શાવવામાં આવી છે.