ઓખા દરિયેથી પાકિસ્તાની બોટમાં ડ્રગ્સ તથા હથિયારો સાથે ઝડપાયેલ દશ પાકિસ્તાનીઓને એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા ઝડપાયેલા શખ્સોને ઓખા લાવી, બે દિવસ પૂર્વે સ્થાનિક અદાલતમાં રજૂ કરીને 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ અધિકારીઓએ રિમાન્ડ મેળવીને ઝડપાયેલા તમામ 10 શખ્સોની વધુ ઊંડી પૂછપરછ માટે અમદાવાદ તરફ લઈ જવામાં આવ્યા છે. જ્યાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ શખ્સોની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવશે. પાકિસ્તાનથી લાવવામાં આવેલો ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ ગુજરાતમાં જ ઉતારવાનો હોય, ત્યાં કયા શખ્સને અહીંના દરિયાકાંઠે આ મુદ્દામાલની ડીલેવરી આપવાની હતી તેમજ આ અંગેના મોબાઇલ નેટવર્ક માટે પણ એટીએસ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે માછીમારી બોટમાં માછીમારના સ્વાંગમાં માલ-સામાન લઈ જવાતો હોય છે. આ સમગ્ર ઓપરેશન તથા કાર્યવાહી માટે એટીએસ સહિતના અધિકારીઓ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ ચલાવવામાં આવી રહી છે.