રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 25 દિવસ જેટલો સમય થઈ ગયો છે. યુદ્ધને કારણે લાખો યુક્રેનના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે, તો હજારો નિર્દોષ નાગરિકોનાં મોત નિપજયા છે. પણ હજુ સુધી યુદ્ધ અટકે તેવી કોઈ સ્થિતિ જોવા મળી રહી નથી. આ વચ્ચે યુક્રેનના પ્રેસિડેન્ટ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ ફરી એકવાર દુનિયાને ચેતવણી આપી છે.
ઝેલેન્સ્કીએ કહ્યું કે, તે વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરવા માટે તૈયાર છે અને જો આ વાતચીત નિષ્ફળ સાબિત થશે તો દુનિયામાં ત્રીજું વિશ્વયુદ્ધ થશે તે નક્કી છે. યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએએ ફરી એકવખત રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરવાનું આમંત્રણ આપ્યું છે. તેઓએ કહ્યું કે, યુદ્ધને ખતમ કરવાનો એકમાત્ર રસ્તો વાતચીત છે અને તેના માટે હું તૈયાર છું. તેઓએ કહ્યું કે, જો વાતચીતના આ પ્રયાસ નિષ્ફળ સાબિત થશે તો તેનું પરિણામ ત્રીજા વિશ્વયુદ્ધ તરીકે જોવા મળી શકે છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે, હું સમજું છું કે વાતચીત કર્યાં વગર અમે આ યુદ્ધને અટકાવી શકતા નથી. હું તેમની (પુતિનને) સાથે વાતચીત કરવા માટે તૈયાર છીએ. ઉલ્લેખનિય છે કે, ઝેલેન્સ્કીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે કે જયારે રશિયાએ યુક્રેનના મુખ્ય શહેરો પર હુમલાઓ તેજ કરી દીધા છે. યુક્રેન રશિયા પર યુદ્ધ અપરાધનો આરોપ લગાવ્યો છે, જેમાં અનેક બાળકો અને મહિલાઓના મોત થઈ ચૂક્યા છે.ઝેલેન્સ્કીએ વધુમાં કહ્યું કે, જો આ યુદ્ધને રોકવાના એક ટકા પણ ચાન્સ છે તો હું સમજું છું કે આપણે આ પગલું ઉઠાવવાની હિંમત કરવી જોઈએ. જણાવી દઈએ કે, ઝેલેન્સ્કીએ આ અગાઉ પણ ચેતવણી આપી ચૂક્યા છે કે, યુક્રેનની વચ્ચે સંઘદ્યર્ષ આ પ્રકારે વધતો રહ્યો તો સમગ્ર દુનિયા તેની ચપેટમાં આવી શકે છે અને આ લડાઈ એક વૈશ્ર્વિક સંઘર્ષનું રૂપ લઈ શકે છે. રશિયાએ યુક્રેનની પોર્ટ સિટી મારિયુપોલની એક સ્કુલ પર બોંબમારો કર્યો હતો. આ સ્કૂલમાં લગભગ 400 લોકો શરણ લઈ રહ્યા હતા. બીજી બાજુ રશિયાએ યુક્રેનના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટને પણ નુકસાન પહોંચાડ્યું છે. રવિવારે રશિયાના સૈનિકો શહેરની ખુબ જ અંદર સુધી ઘૂસી ચૂક્યા છે. ઝેલેન્સ્કીએ તેને આતંકવાદ ગણાવ્યો છે.