લાલપુર તાલુકાના ઝાખર ગામમાં રહેતાં મહિલા તેણીના ઘરેથી આઠ લાખની રોકડ રકમ અને સોનાના દાગીના તેમજ લગ્ન રજીસ્ટરના દસ્તાવેજો સહિતનો સામાન લઇ ઘરેથી ચાલ્યા જતાં પોલીસે તપાસ આરંભી હતી. કાલાવડ તાલુકાના જસાપર ગામમાં રહેતી યુવતી તેણીના સર્ટીફિકેટ અને જન્મ તારીખનો દાખલો તેમજ રોકડ રકમ લઇ ઘરેથી ચાલી ગઈ હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના ઝાખર ગામમાં તળાવ પાસે રહેતા અને ખેતીકામ કરતા વિજયસિંહ જોરુભા જાડેજા નામના યુવાનની પત્ની વિજયાબા વિજયસિંહ જાડેજા (ઉ.વ.35) નામના મહિલા તા.12 ના સોમવારે વહેલી સવારના સમયે કોઇને કહ્યા વગર તેના ઘરેથી રૂા.8 લાખ રોકડા અને સોનાના બુંટીયા તેમજ પાટલા અને કાનની સરુ તથા ચાંદીના સાંકળા ઉપરાંત કોર્ટમાં રજીસ્ટર કરેલા લગ્નના દસ્તાવેજો અને અન્ય દસ્તાવેજો સાથે ઘરેથી ચાલ્યા ગયા હતાં. બાંધણી કલરના લાલ-પીળા પટાવાળી સાડી તેમજ લીલા કલરનું બ્લાઉઝ કાળા લાંબા વાળ અને ઘઉંવર્ણ તથા કાળી આંખોવાળા મહિલા અંગે કોઇને જાણ થાય તો હેકો વી સી જાડેજા (મો.92652 00537) નંબર પર જાણ કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.
આ ઉપરાંત કાલાવડ તાલુકાના જસાપર ગામમાં રહેતાં જીવુબેન રામજીભાઈ રાઠોડ નામના મહિલાની પુત્રી જલ્પાબેન રાઠોડ (ઉ.વ.20) નામની મજૂરીકામ કરતી યુવતી ગત તા.8 ના રોજ બપોરના સમયે તેણીના ઘરેથી જન્મતારીખનો દાખલો અને અન્ય સર્ટીફિકેટો તેમજ રૂા.10 હજારની રોકડ રકમ સાથે ઘરેથી ચાલી ગઈ હતી. ત્યારબાદ માતાએ પુત્રીની શોધખોળ કરી હતી પરંતુ, પુત્રીનો પતો નહીં લાગતા પોલીસમાં જાણ કરી હતી. જેથી પોલીસે શરીરે પાતળા બાંધાની અને ઘઉંવર્ણ વાન ધરાવતી ચોકલેટ કલરનો ડ્રેસ પહેરેલ છે તેમજ 12 ધોરણ પાસ કરેલ હોય અને ગુજરાતી ભાષા જાણતી જલ્પા નામની યુવતી અંગેની કોઇ જાણ થાય તો હેકો જી.પી.ગોસાઈ (મો.8866092707) નંબર ઉપર સંપર્ક કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.
ઝાખરની પરિણીતા માતબર રકમ અને દાગીના સાથે લાપતા
પરિણીતા આઠ લાખની રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના સાથે સોમવારે ઘરેથી ચાલી ગઇ : કાલાવડના જસાપરની યુવતી રોકડ અને દસ્તાવેજો સાથે ગુમ : પોલીસ દ્વારા તપાસ