સૈન્યમાં ભરતી માટેની મોદી સરકારની અગ્નિપથ યોજનાને લઇને બિહારમાં હંગામો મચી ગયો છે. આ યોજનાના વિરોધમાં બિહારના બકસરમાં યુવાનોએ ટ્રેન ઉપર પથ્થરમારો કર્યો હતો. જયારે મુઝફફરપુરમાં છાત્રોએ હંગામો કર્યો છે. બિહારના અન્ય વિસ્તારોમાં પણ આ યોજનાના વિરોધમાં ચકકાજામ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે મોટી સંખ્યામાં યુવાનો બકસર રેલવે સ્ટેશને પહોંચ્યા હતા અને ટ્રેક પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા. યુવાનોના હંગામાને કારણે શતાબ્દી એકસપ્રેસ સહિતની અનેક ટ્રેનો અટકી પડી હતી.કેટલાક યુવકોએ પાટલી પુત્ર એકસપ્રેસ પર પથ્થરમારો કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનને પગલે આરપીએફ સહિતનો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
વાસ્તવમાં આ યુવાનો એવો સવાલ ઉઠાવી રહ્યા છે કે, સૈન્યમાં ચાર વર્ષની નોકરી બાદ રપ ટકા અગ્નિવીરોની સ્થાયી ભરતી કરવામાં આવશે. પરંતુ ધો. 10 -12 પાસ બાકીના 75 ટકા યુવાનો પાસે 4 વર્ષ પછી શું વિકલ્પ હશે? ભલે સરકાર 4 વર્ષ બાદ 12 લાખ રૂપિયા સેવા નીધિ આપશે. પરંતુ બીજી નોકરી અપાવવા માટે સરકાર પાસે શું યોજના છે ? આવા મહત્વના પ્રશ્ર્નો સાથે યુવાઓએ આજે બિહારના જુદા-જુદા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, સરકારે સૈન્યમાં ભરતી માટે ગઇકાલે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી જેમાં 17 થી 21 વર્ષના યુવાઓને 4 વર્ષ સુધી સૈન્યમાં નોકરી આપવામાં આવશે. દર વર્ષે 45,000 યુવાનોની ભરતી કરવામાં આવશે. તેમજ સૈન્યમાં સેવા આપનાર અગ્નિવીરોને આ ચાર વર્ષ દરમ્યાન મહિને 30 થી 40 હજાર સુધીનો પગાર આપવામાં આવશે. ચાર વર્ષ પૂર્ણ થયા બાદ રપ ટકા યુવાનોને કાયમી નોકરી આપવામાં આવશે. જયારે 75 ટકા યુવાનોને રૂા. 12 લાખની સેવા નીધિ સાથે છૂટા કરવામાં આવશે.