ભાણવડ તાલુકાના જામપર ગામમાં એક ડેમમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવાનને હાથપગ બાંધી ડેમમાં ફેંકી દેતા મૃત્યુ નિપજયું હતું. આ અંગે મૃતકના પત્ની દ્વારા અજાણ્યા શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ મધ્યપ્રદેશ રાજ્યના બડવાની જિલ્લાના પાંસેમલ તાલુકાના મૂળ વતની અને હાલ ભાણવડ તાલુકાના ચોખંડા ગામની સીમમાં રહી અને એક આસામીની વાડીએ મજૂરીકામ કરતા કૈલાશભાઈ દલુભાઈ બર્ડે (ઉ.વ.41) નામના યુવાનનો મૃતદેહ ગઈકાલે શુક્રવારે ભાણવડ નજીક આવેલા ચોખંડા-જામપર ગામની વચ્ચે આવેલા સોનમતી ડેમમાંથી મળી આવ્યો હતો.
કૈલાશને કોઈ અજાણ્યા શખ્સોએ કોઈ અગમ્ય કારણોસર હાથ-પગ દોરી વડે બાંધી અને તેમને સોનમતી ડેમના પાણીમાં ફેંકી દેતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની ફરિયાદ મૃતકના પત્ની સુનીતાબેન કૈલાશભાઈએ ભાણવડ પોલીસને કરી હતી. પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડયો હતો. મૃતકના પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ કેસમાં ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. કે.બી. રાજવી તથા તેમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


