વડોદરામાં પાણીપુરીની રેકડી ચલાવતા યુવકની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે, ખોડિયારનગર વિસ્તારમાં એક યુવક પાણીપુરી વહેચવા ગયો હતો અને ત્યાં રહેતા શખ્સોએ પાણીપુરી ખાઈ લીધા બાદ પૈસા ન આપી યુવકે સાથે મારકૂટ કરી હતી બાદમાં યુવકે પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવતા આરોપીઓએ તેની ક્રુરતાથી હત્યા નીપજાવી દીધી હતી.
ખોડિયારનગર મારુતિનગરમાં સુધીર નામનો યુવક પાણીપુરી વહેચીને ગુજરાન ચલાવે છે. જે ગઈકાલે પાણીપુરી વહેચવા જતા માથાભારે શખ્સોએ તેને રોકી પાણીપુરી ખાઈ પૈસા ન આપી લારી માંથી પાણીપુરી લુંટી નાશી છુટ્યા હતા. બાદમાં સુધીરે ફરિયાદ નોંધાવતા પોલીસે માથાભારે શખસોની અટકાયત કરીને તેઓ સામે કાર્યવાહી કરી હતી. જોકે સામાન્ય ઝઘડો હોવાથી માથાભારે શખસો જામીન પર મુક્ત થઇ ગયા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં આ અદાવતનો ખાર રાખીને શખ્સોએ રાત્રીના સમયે સુધીરના ઘરે જઇ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી તેની હત્યા કરી હતી.
આજે સવારે સુધીર રાજપૂતનો થીજી ગયેલા લોહી સાથેનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. અને જોતજોતાંમાં લોકોનાં ટોળાં એકઠા થઇ ગયાં હતાં.