જામનગર શહેર સહિત સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર કુતરાઓનો ત્રાસ અતિશય વધી રહ્યો છે. ત્યારે શહેરના વાલ્કેશ્વરીનગરી રોડ પરથી રાત્રિના સમયે બાઈક પર પસાર થતા યુવાન પાછળ કુતરાઓ દોડતા સ્પીડબ્રેકર આવતા બાઈકચાલકે કાબુ ગુમાવતા નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચતા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પહેલાં શહેર અને જિલ્લામાં રખડતા ઢોરને કારણે વાહનચાલકોનો ભોગ લેવાતો હતો તેમજ આ ઢોર દ્વારા હુમલા કરવાની ઘટનામાં પણ અનેક શહેરીજનો ઘવાયા છે. હજુ રખડતા ઢોરના ત્રાસથી શહેરીજનો મુકત થાય તે પહેલાં જ ઠેક-ઠેકાણે શેરીએ-શેરીઓ રખડતા કુતરાઓનો ત્રાસ અસહ્ય વધી રહ્યો છે અને દરરોજના અસંખ્ય લોકોને કુતરા કરડવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે તેમ છતાં તંત્ર દ્વારા નથી રખડતા ઢોર સામે કાર્યવાહી કરવામાં આવી કે નથી શેરીઓમાં રખડતા કૂતરાઓ સામે કાર્યવાહી કરવામાં આવી. જેના કારણે શહેરીજનો રખડતા ઢોર અને કુતરાઓના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. શહેરમાં કુતરા કરડવાની ઘટના સામાન્ય બની ગઈ છે તો બીજી તરફ રાત્રિના સમયે પસાર થતા વાહનો પાછળ કુતરાઓ દોડતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને બાઈકસવારોને પારાવાર મુશ્કેલની સામનો કરવો પડે છે. બાઈક પાછળ કુતરાઓ દોડવાથી ચાલક ઘણી વખત ગુમાવી દે છે. તંત્રએ રખડતા ઢોર અને કુતરાઓ સંદર્ભે ગંભીરતા દાખવીને લાંબાગાળાની યોજના તથા કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે.
આવી જ એક ઘટના, જામનગર શહેરમાં બની છે તેમાં રામેશ્ર્વરનગર શેરી નં. 2 ના છેડે આવેલા નવજીવન સોસાયટીમાં રહેતાં જયદીપસિંહ રતનસિંહ રાઠોડ (ઉ.વ.42) નામના યુવાનો ગત તા.27 ના રોજ રાત્રિના સમયે વાલ્કેશ્વરીનગરીમાં ડો. તકવાણીના દવાખાના પાસેના રોડ પરથી બાઈકમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન બાઈક પાછળ કુતરાઓ દોડતા યુવાને સ્વબચાવ માટે બાઈકની સ્પીડ વધારતા રસ્તામાં સ્પીડબ્રેકર આવતા બાઈકચાલકે કાબુ ગુમાવતા રોડ પર પટકાયો હતોે જેના કારણે શરીરે અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું શુક્રવારે બપોરના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ મયુરસિંહ દ્વારા જાણ કરાતા હેકો જે.એચ. મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.