જામનગર તાલુકાના હાપા ગામના માર્ગ પર ખોડિયાર માતાજીના મંદિર પાસેથી પસાર થતા એકટીવાચાલકે કાબુ ગુમાવી દેતા સ્લીપ થવાથી ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા ગામમાં રહેતાં વિનોદભાઈ ઉર્ફે ભુરો હરીભાઈ છૈયા (ઉ.વ.30) નામનો યુવાન સોમવારે બપોરના સમયે તેના જીજે-10-ડીપી-9406 નંબરના એકટીવા પર મુરલીધર હોટલથી તેના ગામ તરફ જતો હતો તે દરમિયાન ખોડિયાર માતાજીના મંદિર નજીક પહોંચ્યો ત્યારે એકટીવા પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થવાથી અકસ્માતમાં વિનોદને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોેએ જાહેર કર્યુ હતું. અકસ્માતના બનાવ અંગે સુરેશભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઇ જે.પી. સોઢા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.