ખંભાળિયા નજીક કૂતરું આડું ઉતરતાં રિક્ષા પલ્ટી ખાઇ જતાં રિક્ષાચાલક યુવાનનું ગંભીર ઇજાઓ થવાથી મૃત્યુ નિપજયું હતું. જ્યારે રિક્ષામાં સવાર અન્ય મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. આ અંગે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પરથી પસાર થતી જીજે03-એયુ-5124 નંબરની છકડો રિક્ષા વડત્રા ગામ પાસે પહોંચતા એકાએક કૂતરૂં આડું ઉતરતાં રિક્ષાનું ટાયર ડિવાઇડર પર ચઢી જતાં રિક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં રિક્ષાચાલક એવા જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ધરારનગર ખાતે રહેતાં અજયભાઇ રાજુભાઇ ચૌહાણ (ઉ.વ.25) નામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવારઅર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર કારગત ન નિવડતા તેનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર અન્ય મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.
આ અંગે રાજુભાઇ હરજીભાઇ ચૌહાણ દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ હોસ્પિટલ દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


