ધ્રોલ-રાજકોટ ધોરીમાર્ગ પર રાત્રિના સમયે બેફીકરાઇથી પસાર થતી એસ.ટી. બસના ચાલકે સાઈડમાં ચાલીને જતાં અજાણ્યા પુરૂષને હડફેટે લેતા યુવાનનું જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ધ્રોલ-રાજકોટ ધોરીમાર્ગ પર આહિર ક્ધયા છાત્રાલય નજીકથી સોમવારે રાત્રિના સમયે આહિર ક્ધયા છાત્રાલય પાસેના રોડ પરની સાઈડમાં ચાલીને જતાં આશરે 35 વર્ષના અજાણ્યા પુરૂષને પાછળથી પૂરઝડપે બેફીકરાઇથી આવી રહેલી જીજે-18-ઝેડ-8794 નંબરની એસટી બસના ચાલકે યુવાનને હડફેટે લેતા શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મંગળવારે બપોરના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પીએસઆઈ પી. જી. પનારા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી એસ ટી બસના ચાલક વિજય ભરાડ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.