મીઠાપુર પાસેના મોજપ ગામના વાડી વિસ્તારમાં રહેતો યુવાન બાઇક પર તેના ઘરે જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાથી ફંગોળાઇ જવાથી તેને ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ મીઠાપુર નજીક આવેલા મોજપ ગામના વાડી વિસ્તારમાં રહેતા વાઘાભા લાખાભા કીટાણી નામના 48 વર્ષના હિન્દુ વાઘેર યુવાન ગઈકાલે સોમવારે બપોરના સમયે પોતાના મોટરસાયકલ પર બેસીને મોજપ ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન રેલ્વે ફાટક પાસેની ગોળાઈ નજીક પહોંચતા આ ગોળાઈમાં તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ જવા પામ્યું હતું. જેના કારણે તેઓ મોટરસાયકલ સાથે ફંગોળાઈ ગયા હતા.
આ અકસ્માતમાં તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સીદીભા વાઘાભા કીટાણીએ મીઠાપુર પોલીસને કરી છે.


