જામનગર તાલુકાના જીવાપર ગામમાં રહેતાં યુવાનને તેના ઘર નજીક ઝેરી સાપ કરડી જતાં અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામમાં રહેતાં યુવાનનું બેશુદ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર તાલુકાના જીવાપર ગામમાં રહેતા મુકેશભાઈ લખુભાઈ પરમાર (ઉ.વ.46) નામના યુવાનને ગત તા.19 ના મધ્યરાત્રિના સમયે તેના ઘરે ઝેરી સાપ કરડી જતા સારવાર માટે અહીંની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું સારવાર દરમિયાન શુક્રવારે રાત્રિના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની વિજયાબેન દ્વારા જાણ કરાતા હેકો જે.જી. રાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના ખડ ધોરાજી ગામમાં રહેતાં મેઘજીભાઈ હરીભાઈ બગડા (ઉ.વ.43) નામના યુવાન શુક્રવારે વહેલીસવારના 6 વાગ્યાના અરસામાં તેના ઘરે બાથરૂમમાં બ્રશ કરતાં હતાં તે દરમિયાન એકાએક ચકકર આવતા પડી જવાથી બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે રાજકોટની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે વનીતાબેન દ્વારા જાણ કરાતા હેકો જી.આઈ. જેઠવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.