જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતાં યુવાન ઉપર છેડતીનો કેસ થયો હતો અને વધુ જેલ થવાની ચિંતામાં તેના સાસરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં રહેતાં વૃદ્ધની તબિયત લથડતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ,જામનગર શહેરના બેડીમાં વાઘેરપાડામાં રહેતાં અને મજૂરી કામ કરતા આદમભાઈ મામદભાઈ લોરુ (ઉ.વ.35) નામના યુવાન ઉપર છેડતીનો કેસ થયો હતો અને આ કેસમાં વધુ જેલ સજા થવાની ચિંતા હોય મનમાં લાગી આવતા બુધવારે સવારના સમયે સિક્કા ગામમાં આવેલા તેના સાસરે જઇ ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગેની હુશેનભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.ડી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગરમાં હવાઈ ચોક નાગર ચકલા વિસ્તારમાં રહેતાં હરીશભાઈ વસંતભાઈ ગણાત્રા (ઉ.વ.66) નામના વૃદ્ધને ડાયાબિટીસની બીમારી હતી તે દરમિયાન બુધવારે વહેલીસવારના સમયે તબિયત લથડતા અહીંની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું બપોરના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર તુષારભાઈ દ્વારા જાણ કરાતા હેકો ટી. કે. પાંભર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.


