જામનગર શહેરના કોમલનગર વિસ્તારમાં રહેતાં મહિલાના પુત્રને તેના મિત્ર સાથે થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી ચાર શખ્સોએ યુવક ઉપર લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં રણજિતસાગર રોડ પર પ્રણામીનગર વિસ્તારમાં રહેતાં હંસાબેન બુધાભાઇ સાગઠિયા નામના મહિલાનો પુત્ર મહેકને તેના મિત્ર મિત સાથે અગાઉ બોલાચાલી થઇ હતી. તે બાબતનું મનદુ:ખ રાખી અરબાઝ ખાટકી, પ્રિન્સ જાડેજા, ભાવનાબેન જાડેજા અને અજાણી યુવતી સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી મહેકને ગત્ તા. 10ના રોજ સાંજના સમયે ઘરેથી લઇ જઇ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. તેમજ છરીનો છરકો મારી ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત ચારેય શખ્સોએ એકસંપ કરી યુવકને જાતિ પ્રત્યે અપમાનિત કર્યાના બનાવમાં એસસી-એસટી સેલના ડીવાયએસપી તથા સ્ટાફએ ચાર શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


