ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામમાં જવાના માર્ગ પર યુવાનના બાઈકને ટ્રેક્ટર અડાડી જેમ ફાવે તેમ અપશબ્દો બોલી છ શખ્સોએ પાઈપ-લાકડી-ધારિયા જેવા હથિયારો વડે હુમલો કરી ટ્રેક્ટર બાઈક પર ફેરવી બાઇકમાં નુકસાન કર્યાના બનાવમાં પોલીસે છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામમાં રહેતાં ખીમા ટીડા બાંભવા (ઉ.વ.40) નામનો યુવાન સોમવારે સવારના સમયે તેના જીજે-03-સીએચ-7660 નંબરના બાઈક પર ઘર તરફ આવતો હતો ત્યારે રસ્તામાં રાણા હરી અને મચ્છા કડવા નામના બે શખ્સોએ તેનું ટ્રેક્ટર ખીમાના બાઈકને અડાડીને ઝઘડો કરી જેમ ફાવે તેમ અપશબ્દો કહ્યા હતાં તેમજ પાઈપ વડે માર માર્યો હતો તેમજ હરી ઘોઘા, ડાયા રાણા, બીજલ હરી અને ભુરા રાણા નામના ચાર શખ્સો ધારિયુ અને લાકડી લઇને બાઈક પર ધસી આવ્યાં હતાં તેમજ બાઈક પર આવેલા ચાર શખ્સોએ લાકડી અને ધારિયા વડે ખીમા બાંભવા ઉપર હુમલો કર્યો હતો તેમજ રાણા હરીએ તેનું ટ્રેક્ટર ખીમાના બાઈક ઉપર ત્રણથી ચાર વખત ફેરવીને બાઈકમાં નુકસાન કર્યુ હતું. હુમલો કરી બાઈકમાં નુકસાનના બનાવમાં ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં બનાવ અંગેની જાણ થતાં હેકો એચ.બી. સોઢીયા તથા સ્ટાફે ઘવાયેલા ખીમાભાઈના નિવેદનના આધારે છ શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.