જામનગર શહેરની નંદનવન સોસાયટીમાં રહેતાં તરૂણે હાથ ઉછીના લીધેલા રૂપિયા પરત આપવા માટે સગવડ ન હોવાથી થોડા સમય પછી આપવાનું કહેતાં શખ્સે તરૂણને બોલાવી ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરની નંદનવન સોસાયટીમાં રહેતાં અને મજૂરી કામ કરતા હર્ષ નંદા નામના તરૂણે પંચવટીમાં રહેતાં આશિષ રઘુ ગંઢા પાસેથી બે સપ્તાહ પૂર્વે 35000 હાથ ઉછીના લીધા હતાં અને આ રકમ પરત નહીં આપતા આશિષે હર્ષને ગત તા.13 ના રોજ રાત્રિના સમયે ફોન કરીને સાધના કોલોનીના પહેલાં ગેઈટ પાસે બોલાવ્યો હતો. તે દરમિયાન આશિષે છરી કાઢી મારવા જતા ડરી ગયેલા હર્ષે આશિષની છરી ઝુટવી લઇ આશિષના ખંભામાં ઘા ઝીંકી દીધો હતો. જેથી આશિષે હર્ષને ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવમાં હર્ષ દ્વારા જાણ કરાતા હેકો પી ટી જાડેજા તથા સ્ટાફે આશિષ વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.