જામનગરના લાલ પરિવારના તરવરીયા યુવાન ક્રિષ્નરાજ જીતેન્દ્ર લાલને રઘુવંશી સમાજની વૈશ્ર્વિક સંસ્થા લોહાણા પરિષદ દ્વારા ‘શ્રેષ્ઠ રઘુવંશી યુવા પ્રતિભા’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન મેળવીને ક્રિષ્નરાજ લાલે માત્ર જામનગર જ નહીં સમગ્ર રાજ્યના રઘુવંશી સમાજને ગૌરવાંકિત કર્યો છે.
લોહાણા મહાપરિષદ તરફથી પ્રતિ વર્ષ સંસ્થાગત અને વ્યકિતગત રીતે જુદા જુદા એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિપીંગ ક્ષેત્રમાં સીમા ચિહનરૂપ સ્થાન હાંસલ કરવા બદલ શ્રેષ્ઠ રઘુવંશી યુવા પ્રતિભા એવોર્ડ માટે જામનગરના ક્રિષ્નરાજ જીતેન્દ્ર લાલની પસંદગી કરવામાં આવી છે. વિશ્ર્વભરમાં શીપીંગ વ્યવસાય ક્ષેત્રમાં નિયત માપદંડો સાથે નિયમો-કાયદાનું પાલન થાય તે માટે 110 વર્ષથી કાર્યરત સંસ્થા ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ શીપ બ્રોકર્સની અત્યંત કપરી સ્પર્ધાત્મક પરીક્ષા સાત વિષયમાં ઉત્તિર્ણ કરીને પ્રાપ્ત કરેલી સિધ્ધીના પગલે ક્રિષ્નરાજ લાલને આ એવોર્ડ અર્પણ કરી લોહાણા મહાપરિષદે નવાજયા છે.
અત્રેએ નોંધનીય છે કે, ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ શીપ બ્રોકર્સના અત્યાર સુધી વિશ્ર્વભરમાં આ પરિક્ષા પાસ કરીને સભ્યપદ મેળવનારાઓની સંખ્યા ફકત ચાર હજાર છે. એમાં પણ 110 વર્ષમાં ભારતમાંથી માત્ર 220 સભ્યો જ થઇ શકયા છે. જેના પગલે ક્રિષ્નરાજ લાલને ફેલોશીપ મળવા સાથે બ્રિટીશ પાર્લામેન્ટ દ્વારા પણ સન્માન પ્રાપ્ત થયું હતું. ક્રિષ્નરાજ લાલ દ્વારા ગુજરાતના સાગરકાંઠા પર બાર્જ-શીપ એન્કરીંગ માટે તેમજ અન્ય આધુનિક વ્યવસ્થા માટે વિસ્તૃત પ્રોજેકટ રિપોર્ટ પણ તૈયાર કરીને સરકારને સુપ્રત કરવામાં આવ્યો હતો. આ સિધ્ધીઓ હાંસલ કરવાના પગલે લોહાણા મહાપરિષદ દ્વારા તેઓને ‘શ્રેષ્ઠ રઘુવંશી યુવા પ્રતિભા’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
નાસીક ખાતે તાજેતરમાં યોજાયેલી લોહાણા મહાપરિષદની બેઠકમાં સંસ્થાના પ્રમુખ સતિષભાઇ વિઠ્ઠલાણીની ઉપસ્થિતિ સાથે એવોર્ડના દાતા સ્વ. વિજયભાઇ જમનાદાસ વડેરા પરિવાર તરફથી ક્રિષ્નરાજ લાલને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રઘુવંશી સમાજના શ્રેષ્ઠીઓ મુંબઇના મહેન્દ્રભાઇ ઘેલાણી, મહાપરિષદના વરિષ્ઠ ઉપપ્રમુખો ધર્મેશભાઇ હરીયાણી , જીતુભાઇ લાલ, મહાપરિષદના મંત્રી અને નાસીક લોહાણા મહાજનના જીતુભાઇ ઠકકર, ગિરીશભાઇ કોટેચા (જુનાગઢ) સહિતનાઓએ આ એવોર્ડ હાંસલ કરવા બદલ ક્રિષ્નરાજ લાલને શુભેચ્છાઓ પાઠવી હતી.