કાલાવડ નજીક આવેલી કંપનીમાં મજૂરી કામ કરતો યુવાન તેના મિત્ર સાથે રણુજા જતો હતો ત્યારે બાઈક પરનો કાબુ ગુમાવી દેતા રોડની સાઈડમાં પાર્ક કરેલી ગાડીના પાછળના ભાગે અથડાતા ગમખ્વાર અકસ્માતમાં ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય યુવાન મિત્રને ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, કાલાવડ નજીક આવેલી અક્ષર સ્પીનસ્ટેક લીમિટેડ કંપનીમાં મજૂરી કામ કરતા ઉપેન્દ્રકુમાર દિનેશપ્રતાપ (ઉ.વ.30) નામનો યુવાન શુક્રવારે સવારના સમયે તેના મિત્ર અરુણકુમાર કલુસિંહ સાથે જીજે-03-એફએચ-5199 નંબરના બાઇક પર રણુજા જતાં હતાં ત્યારે કાલાવડ નજીક બાઈક પરનો કાબુ ગુમાવતા પેટ્રોલ પંપ પાસે રોડની સાઈડમાં પાર્ક કરેલી કારના પાછળના ભાગે જોરથી અથડાતા અકસ્માતમાં ચાલક ઉપેન્દ્રને શરીરે નાની મોટી અને છાતીમાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા અરૂણકુમારસીંગને સામાન્ય ઈજા થઈ હતી. બનાવની જાણ કરાતા પીએસઆઈ યુ.કે. જાદવ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.