જામનગર શહેરના ઈન્દીરા કોલોની વિસ્તારમાં રહેતાં યુવકે તેના માતા-પિતાના મૃત્યુ અને બહેનો સાસરે હોય અને અપરિણીત હોવાના કારણે એકલવાયા જીવનથી કંટાળી જઈ તેના ઘરે પંખામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી પાસેના વિસ્તારમાં રહેતાં વૃધ્ધ તેના ઘરે પડી જતા બેશુદ્ધ થઈ જવાથી જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ખેતીવાડી સામે આવેલા ઈન્દીરા કોલોની શેરી નં. 1 માં રહેતા દિપક વાલજીભાઈ વણોલ (ઉ.વ.22) નામના યુવકના માતા-પિતાનું મૃત્યુ થયું હતું અને બહેન પરણીને સાસરે જતી રહી હતી તેમજ યુવક અપરિણીત હોવાથી એકલવાયા જીવનથી કંટાળી જતાં રવિવારે સાંજના સમયે તેના ઘરે પંખામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની દિનેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એમ.આર. ડાંગર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી વાળા રોડ પર આવેલા મહાવીરનગરમાં રહેતા સામજીભાઈ હીરાભાઈ પરમાર (ઉ.વ.61) નામના નિવૃત્ત વૃધ્ધને રવિવારે રાત્રિના સમયે તેના ઘરે પડી જતાં બેશુધ્ધ થઈ જવાથી સારવાર માટે જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર દિપકભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.ડી.ગાંભવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.