લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં આવેલી ખેતીની જમીનમાં બોર અને લોન ભરપાઇ કરવા તથા પાણી આપવાની બાબતે ચાલતા મનદુ:ખનો ખાર રાખી દંપતિએ મહિલાના પતિને મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ લાલપુર તાલુકાના ડમાસંગ ગામમાં આવેલી સંયુકત માલિકીની ખેતીની જમીનમાં દિપસંગ ચુડાસમાએ બોર કરાવ્યો હતો અને આ જમીન ઉપર દિપસંગના પિતાએ લોન લીધી હતી. આ લોન ભરપાઇ કરવા તથા બોરનું પાણી આપવા બાબતે કૌટુંબિક રેવતુભા સાથે મનદુ:ખ ચાલતું હતું. આ મનદુ:ખનો ખાર રાખી બુધવારે સવારના સમયે રેવતુભા ઉમેદસિંહ ચુડાસમા અને મૈયાબા ઉમેદસિંહ ચુડાસમા નામના દંપતિએ ખેતરમાં ઢોર મોકલવાનું કહી અવાર-નવાર દુ:ખત્રાસ આપી દિપસંગને મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં નિકુલબા દિપસંગ ચુડાસમાએ જાણ કરતાં પ્રો.પી.આઇ. એન.એ.ચાવડા તથા સ્ટાફે દંપતિ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.