જામનગર તાલુકાના ખીમલિયા ગામના પાટીયા નજીક યુવાનનું પોલીસને બાતમી આપ્યાની શંકા રાખી પૂર્વ આયોજિત કાવતરુ રચી ફોન કરી બોલાવી તિક્ષ્ણ હથિયાર અને ધોકા વડે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવ્યાના બનાવમાં એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં હત્યારાઓને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ધુંવાવ નાકા કોળીવાસ વિસ્તારમાં રહેતા મહેશભાઈ ઉર્ફે મુનો કાનજીભાઈ વાઘોણા (ઉ.વ.35) નામના યુવાનને ખીમલિયા ગામના પાટીયા પાસે બોલાવી તેના ઉપર તિક્ષ્ણ હથિયાર અને ધોકા વડે જીવલેણ હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલા મહેશનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હત્યાના બનાવની જાણ થતા ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈ અને પીએસઆઈ સી.એમ. કાંટેલિયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. જેના આધારે મૃતકની પત્ની પુનમબેન મહેશભાઈ વાઘોણા એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના વિસ્તારમાં રહેતાં સાગર ઉર્ફે ધમભા ઉર્ફે મહાકાલ જયસુખ કારડિયા ઉપર દારૂનો કેસ થયો હતો. જે કેસમાં મહેશે પોલીસને બાતમી આપ્યાની શંકા રાખી હતી.
અને ગુરૂવારે રાત્રિના અમિત અશોક પીપળિયા, સાગર ઉર્ફે ધમભા ઉર્ફે મહાકાલ જયસુખ કારડિયા અને આકાશ ઉર્ફે બબન પરેશ કોળી નામના ત્રણ શખ્સોએ પોલીસને બાતમી આપ્યાની શંકાના આધારે મહેશ વાઘોણાને ફોન કરીને બોલાવી પૂર્વ આયોજિત કાવતરુ રચી મહેશ ઉપર ત્રણ શખ્સોએ તિક્ષ્ણ હથિયાર અને મોઢા ઉ5ર તેમજ માથામાં અને વાંસામાં તથા બન્ને પગમાં આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલો મહેશ ઘટનાસ્થળે જ લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો અને સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ત્યારબાદ આ બનાવમાં મૃતકની પત્નિ દ્વારા ત્રણ શખ્સો વિરૂધ્ધ પુર્વ આયોજિત કાવતરુ રચી હત્યા નિપજાવ્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન એલસીબીના ભગીરથસિંહ સરવૈયા, દિલીપ તલાવડિયા અને યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે ધ્રોલ તાલુકાના લૈયારા ગામ નજીકથી પીઆઈ એસ. એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા સહિતના સ્ટાફે ગણતરીના કલાકોમાં જ ત્રણેય હત્યારાઓને દબોચી લઇ પંચ બી પોલીસને સોંપી આપ્યા હતાં. જેના આધારે પોલીસે ત્રણેયની પૂછપરછ હાથ ધરી રિમાન્ડ મેળવવા અદાલતમાં રજૂ કરવા તજવીજ આરંભી હતી.