કાલાવડ તાલુકાના નિકાવા ગામના યુવાનોની કારને સામેથી આવતાં ટ્રેક્ટર ચાલકએ હડફેટે લેતા અકસ્માતમાં યુવકનું મોત નિપજયું હતું. જયારેકારમાં સવાર અન્ય યુવકને ઇજા પહોંચી હતી. અકસ્માતના બનાવમાં પોલીસે ટ્રેક્ટર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના નિકાવા ગામના પ્રશાંતભાઈ જેન્તીભાઈ મૂછડીયા (ઉ.વ. 21) નામના યુવાન તેના મિત્ર નિખીલભાઈ સુરેશભાઈ પરમાર સાથે જીજે-03-ડીએન-9544 નંબરની કાર લઇ નિકાવા ગામ થી ચાંદલી ગામે કામસર જઈ રહ્યા હતા.ત્યારે ખડધોરાજી ગામ પાસે રોડ પર આવેલ ડેમના પાળા પાસે પહોચતા સામેથી પુરઝડપે આવતાં જીજે-10-બીઆર-3368 નંબરના ટ્રેક્ટર ચાલકે યુવાનની કાર સાથે અથડાવતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પ્રશાંતભાઈ જેન્તીભાઈ મૂછડીયાને માથાના ભાગે ગંભીર ઈજા થતા મૃત્યુ થયું હતું. જયારે નિખીલભાઈને ઇજા થઇ હતી.
ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા જેન્તીભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એચ.વી.પટેલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી ટ્રેક્ટરચાલક ધનજીભાઈ શામજીભાઈ પરમાર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.