કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામના સીમ વિસ્તારમાં ગોલાઇ પાસે બાઇક સવાર પિતા પુત્રને સામેથી આવતાં બાઇકે ઠોકર મારતાં અકસ્માતમાં યુવાન પિતાનું મોત નિપજયું હતું. જયારે મૃતકના પુત્રને ઇજા પહોંચી હતી. અકસ્માતના બનાવમાં પોલીસે બાઇકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના હરિપર (મેવાસા) ગામના રહેતાં ગુલમામદ નુરમામદ હાલાણી(ઉ.વ.45) નામના યુવાન તેના પુત્ર સોહાન સાથે કાલાવડ આરટીઓ કચેરીમાં કામસર ગયા હતાં અને ત્યાથી કામ પતાવી સોમવારે રાત્રીના 8 વાગ્યાના અરસામાં તેના જીજે-11-એએચ-7567 નંબરના બાઇક પર હરીપર પરત ફરતાં હતાં ત્યારે ધુનધોરાજી ગામના સીમ વિસ્તારમાં આવેલી જયંતિભાઇની વાળી પાસેથી ગોલાઇમાંથી પસાર થતાં હતાં ત્યારે હરિપર તરફથી પુરઝડપે આવતાં જીજે-10-એએચ-7860 નંબરના બાઇક સવારે યુવાનના બાઇક સાથે અથડાવતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ગુલમામદભાઇને શરીરે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જયારે પુત્રને સામાન્ય ઇજા થઇ હતી.
ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં બુધવારે રાત્રીના સમયે સારવાર દરમ્યાન મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઇ ઇકબાલ દ્વારા જાણ કરાતા પ્રો.પીઆઇ પી.પી.ઝા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી બાઇક સવાર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.