જામનગર નજીકના ખીમલીયા ગામમાં મોડી રાત્રિના સમયે ગામના જ શખ્સોએ જૂની અદાવતમાં હુમલો કરી એક યુવાનની કરપીણ હત્યા નીપજાવ્યાના બનાવમાં પંચકોશી બી ડીવીજન પોલીસે ઘટના સ્થળે પહોચી મૃતકનો કબજો સંભાળી પીએમ માટે મોકલી ગામમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ચકચારી હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ખીમલીયા ગામના સીમ વિસ્તારમાં રહેતા મહેશભાઈ કાનજીભાઈ વાઘોણા (ઉ.વ 33) નામના યુવાન ઉપર ગુરૂવારે મોડીરાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા બોથડ પદાર્થ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોચાડી હતી. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડેલા યુવાનનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. હત્યા નિપજાવ્યા બાદ હુમલાખોરો નાશી ગયા હતા. આ ઘટના અંગે તાત્કાલિક પંચકોશી બી ડીવીજન પોલીસને જાણ કરાતા ડીવાયએસપી કૃણાલ દેસાઈ, પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં લોહીના ખાબોચિયામાં હત્યા નિપજાવેલ યુવાનના મૃતદેહનો કબજો સંભાળી જામનગર જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતુું તેમજ પોલીસના પ્રાથમિક તારણમાં જુના મનદુ:ખમાં ગામના જ અમુક સખ્સોએ યુવાનની હત્યા નિપજાવી હોવાનું અને મૃતક યુવાન પરિણીત હોવાનું અને તેની પત્નીનું નામ પૂનમ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે રાત્રે જ શકમંદ આરોપીઓ સુધી પહોચવા જુદી જુદી ટીમો બનાવી તપાસ શરુ કરી હતી. બીજી તરફ ગામમાં ફેલાયેલ તંગદિલી વધુ તંગ ન બને તે માટે પોલીસે ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદન નોંધી ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.