ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં આવેલા ડેમમાં ઘેટાં-બકરાનો માલ ધોવા ગયેલા યુવાનનો પગ લપસી જતાં ડેમમાં ડૂબી જવાથી બેશુઘ્ઘ થઇ જતાં સારવાર દરમિયાન મોત નિપજયું હતું.
મળતી વિગત મુજબ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રૂપાવટી ગામમાં રહેતો રામાભાઇ મચ્છાભાઇ ઝાપડા (ઉ.વ. 35) નામનો માલધારી યુવાન તેના કૌટુંબિક કુંભાભાઇ ઝાપડા સાથે ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આવેલા ડેમમાં પાણીમાં સોમવારે સવારે ઘેટાં-બકરાનો માલ ધોવા ગયા હતા. તે દરમ્યાન રામાભાઇનો પગ પાણીમાં લપસી જતાં ડેમના પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ત્યારબાદ યુવાનને બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકના ભાઇ દેવાભાઇ દ્વારા જાણ કરવામાં આવતાં હે.કો. ડી. પી. વઘોરા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


