જામનગર તાલુકાના જાંબુડા ગામની ગોલાઈમાં બાઈક પરથી પસાર થતા યુવકને આડે કુતરુ ઉતરતા કાબુ ગુમાવી દેતા સ્લીપ થવાથી શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજયું હતું. જ્યારે અન્ય યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાના કાનાછીકારી ગામમાં રહેતી યુવતીને તેણીના માતા-પિતાએ વતનમાં જવાની ના પાડતા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી પાસેના નિલકંઠનગર શેરી નં.2 મા રહેતા સાગર રવજીભાઈ ગુજરીયા અને વિજયભાઈ નામના બે યુવાનો શનિવારે મધ્યરાત્રિના સમયે જીજે-10-ડીબી-2609 નંબરની બાઈક પર જામનગરથી ખીરી તરફ જતા હતાં તે દરમિયાન જાંબુડા ગામની ગોલાઈ નજીક માર્ગમાં કૂતરુ આડુ ઉતરતા બાઈકચાલક વિજયએ કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થવાથી બન્નેને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણના આધારે 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા બન્નેેને સારવાર માટે ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સાગરનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યું હતું. જ્યારે વિજયભાઈને ગંભીર ઈજા પહોંચતા આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. બનાવ અંગે સંજય ગુજરીયા દ્વારા જાણ કરાતા એએસઆઈ એ.બી. સપિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, લાલપુર તાલુકાના કાનાછીકારી ગામમાં રહેતા જેતાભાઈ ચૌહાણ નામના આદિવાસી શ્રમિક યુવાનની પુત્રી મમતા ચૌહાણ (ઉ.વ.18) નામની યુવતીને હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન તેના વતન મધ્યપ્રદેશમાં જવું હતું જે માટે તેણીને માતા-પિતાને વાત કરી હતી. આ મામલે માતા-પિતાએ પૈસાની સગવડ ન હોવાથી સાથે લઇ જવાની ના પાડતા મનમાં લાગી આવતા મમતાએ શનિવારે બપોરના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા મહિલા એએસઆઇ આર.આર. કરંગીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.