જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની સીમમાં યુવાને અગમ્યકારણોસર શરીર ઉપર ડીઝલ રેડી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરતા મોત નિપજ્યું હતું. જામનગરના પટેલનગર વિસ્તારમાં રહેતાં વૃધ્ધને છાતીમાં દુ:ખાવો ઉપડતા જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની સીમમાં આવેલા ખેતરમાં રહેતાં અને મજૂરીકામ કરતા મુળ રાજસ્થાનના પાલી જિલ્લાના જેસારણ તાલુકાના આણંદપુર કાળુ ગામના વતની રાજુ મદનલાલ પવાર (ઉ.વ.34) નામના યુવાને શનિવારે રાત્રિના બે વાગ્યાના અરસામાં તેના ઘરે શરીરે ડીઝલ રેડી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કર્યુ હતું. ગંભીર હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકની પત્ની તોળાદેવેબેન એ જાણ કરતા હેકો ડી.એસ. પાંડોર તથા સ્ટાફે હોસ્પિટલ જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના પટેલનગર શેરી નં.3 વિસ્તારમાં રહેતાં હિરજીભાઈ લક્ષ્મણભાઈ કબીરા (ઉ.વ.64) નામના વૃધ્ધને ગત શનિવારે સાંજના સમયે તેના ઘરે ગેસની તકલીફના કારણે છાતીમાં દુ:ખાવો થવાથી સારવાર માટે જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર પ્રવિણ દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. દાંતણિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.
ધ્રાફામાં શ્રમિક યુવાને ડીઝલ રેડી દિવાસળી ચાંપી
અગ્નિસ્નાન કરતાં મોત : પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ શોધવા તપાસ : જામનગરમાં વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ