જામનગર તાલુકાના ફલ્લા ગામ નજીક કંકાવટી કેનાલ પાસેથી પસાર થતી બોલેરો પીક-અપ વાહનના ચાલકે કાબુ ગુમાવી દેતા વાહન પલ્ટી ખાઈ જતા બેસેલા મુસાફરોને ઈજા પહોંચી હતી તે પૈકીના એક યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. બનાવની જાણના આધારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ફલ્લા ગામમાં કંકાવટી કેનાલ પાસેથી પૂરઝડપે બેફફીકરાઈથી પસાર થતી બોલેરો પીક-અપ વાહનના ચાલક રાજા ગાંડા મકવાણાએ સોમવારે સવારના સમયે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા વાહન પલ્ટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં તેમાં બેસેલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી તેમજ તે પૈકીના તુષારભાઈ નામના યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. ત્યારબાદ અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ જે.કે. રાઠોડ તથા સ્ટાફે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી સુરેન્દ્રનગરના પ્રવિણભાઈ ગોહિલના નિવેદનના આધારે પીક-અપ વાહનના ચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.