જામનગર શહેરમાં થોડા દિવસ પહેલાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ યુવકે દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે વીડિયો વાયરલ કરનાર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતો બુખારી સૈયદ આરીફ સલીમભાઈ નામના યુવકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમના પરિવારજનો દ્વારા યુવકને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી ગયો હતો અને મૃતકના પરિવારજનો દ્વારા હાલમાં જ વાયરલ કરાયેલા વીડિયોથી બદનામી થવાની બીકે મૃતકે જિંદગી ટૂંકાવી હોવાનું જણાવ્યું હતું અને બે સોની વેપારીઓ દ્વારા મૃતક યુવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જેથી બે વેપારીઓ વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી તેમજ પરિવારજનોએ મૃતકનો મૃતદેહ સ્વીકારવાની ના પાડતા પોલીસની દરમિયાનગીરી બાદ મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.