જામનગરના રણજીતનગર વિસ્તારમાં રહેતા યુવાને તેના ઘરે કોઇ કારણસર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવ્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લાલપુર તાલુકાના કાનાલુસમાં આવેલી લેબર કોલોનીમાં રહેતા યુવાનને ઉલ્ટી થતાં બેશુદ્ધ થઈ જવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ બનાવની વિગત મુજબ, જામનગરમાં રણજીતનગર વિસ્તારમાં રહેતા અને એક ખાનગી હોસ્પિટલમાં કેન્ટીનનો વિભાગ સંભાળતા ચેતન હસમુખભાઈ પંડયા નામના 48 વર્ષના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગીનો અંત લાવી દીધો હતો. આ બનાવ પછી તેની પત્ની દક્ષાબેન પણ બેશુદ્ધ થઈ ગઇ હોવાથી તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે ચેતનભાઈના મૃતદેહનો કબ્જો સંભાળી આ બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ,લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં આવેલી લેબર કોલોની 8 મા રહેતા ખેરુદ્દિન મહમદઅલી અંસારી (ઉ.વ.24) નામના યુવાનને ગુરૂવારે સાંજના સમયે તેના ઘરે એકાએક ઉલ્ટીઓ થતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મુસ્તાક અંસારી દ્વારા જાણ કરાતા એએસઆઈ આર.આર.કરંગીયા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરમાં યુવાનની અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા
પતિનો મૃતદેહ જોઇ પત્નિ બેશુધ્ધ થઈ ગઈ : કાનાલુસમાં ઉલ્ટી થતા શ્રમિક યુવાનનું મોત