જામનગર શહેરમાં દશા માં ના મંદિર નજીકના રેલવે ટ્રેક પરથી પસાર થતી ટે્રન હેઠળ યુવાને કોઇ કારણસર ઝંપલાવી આપઘાત કર્યો હતો. જામનગર શહેરમાં સેન્ટ્રલ બેંક પાસે રહેતા પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. જામનગરના હાપામાં રહેતાં પ્રૌઢને શ્વાસની તકલીફ થવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના દેવનગર વામ્બે આવાસની પાછળના વિસ્તારમાં રહેતા વિજય નાગજીભાઈ વાઘેલા (ઉ.વ.30) નામના યુવાને અગમ્યકારણોસર શુક્રવારે વહેલીસવારના સમયે દશા મા ના મંદિર પાસેના રેલવે ટ્રેક પરથી પસાર થતી માલગાડી હેઠળ આવી જતાં ગંભીર ઈજા પહોંચવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગેની જાણના આધારે હેકો કે.આર. ગોસ્વામી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં સેન્ટ્રલ બેંક લુહારસાર પાસે રહેતા સુધાકરભાઈ અનંતરાય દવે (ઉ.વ.59) નામના નિવૃત્ત પ્રૌઢને શુક્રવારે સવારના સમયે તેના ઘરે છાતીમાં દુ:ખાવો થવાથી સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની રસીકભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.ડી. ગાંભવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામનગરના હાપામાં શિવ શકિતસોસાયટીમાં રહેતાં અશોકભાઈ ચનાભાઈ મકવાણા (ઉ.વ.59) નામના પ્રૌઢને બીડી પીવાની કુટેવ હોવાથી શ્વાસની તકલીફ થવાથી સારવાર માટે ખાનગી અને ત્યારબાદ અહીંની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતા હેકો સી.જે. જાડેજા તથા સ્ટાફે મૃતકના પુત્ર જિતેશના નિવેદનના આધારે વધુ કાર્યવાહી આરંભી હતી.