જામનગર શહેરમાં સૈનિકભવન રેલવે ફાટક નજીક ટ્રેન હેઠળ કપાઈ જતાં યુવાનનું મોત નિપજ્યું હતું. જામજોધપુર તાલુકાના જામવાડી ગામનાં વૃધ્ધે માનસિક બીમારી અને તામશી મગજના કારણે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગરમાં સાયોના શેરીમાં રહેતાં રવિ કેશુભાઇ અત્રેશા (ઉ.વ.25) નામનો યુવાન ગુરૂવારે રાત્રિના સમયે સૈનિક ભવન નજીક આવેલા રેલવે ફાટક પાસેના ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ આવી કપાઈ જતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં હેકો એમ.આર. ડાંગર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના ભાઈ જિતુ અત્રેશાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતાં કાનજીભાઈ કેશવભાઈ ચાવડા (ઉ.વ.69) નામના વૃધ્ધના પત્નિનું સાત માસ પૂર્વે હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. ત્યારથી ગુમસુમ રહેતાં હતાં જેના કારણે તામશી મગજ અને માનસિક બીમાર જેવી સ્થિતિ થઈ ગઈ હતી જેથી ગત તા.18 ના રોજ તેના વાડી તરફ જવાના માર્ગ પર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની દિનેશભાઇ ચાવડા દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.