કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરીકામ કરતા યુવાને અગમ્યકારણોસર આંબલીના ઝાડની ડાળીમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગર શહેરના હવાઇચોક નાગર ચકલા વિસ્તારમાં રહેતા વૃદ્ધ તેના ઘરની બાલ્કનીમાંથી અકસ્માતે નીચે પટકાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમમાં આવેલા હેમંતસિંહ જાડેજાના ખેતરમાં છેલ્લાં દોઢ માસથી મજુરીકામ કરતા મિથુનભાઈ (ઉ.વ.35) નામના યુવાને શુક્રવારે બપોરના સમયે ખેતરમાં આવેલા અગમ્યકારણોસર આંબલીના ઝાડની ડાળીમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવની હેમંતસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.વી. પટેલ તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના હવાઇ ચોક, નાગર ચકલા વિસ્તારમાં રહેતા પ્રદિપભાઈ બાલાભાઈ વિસાણી (ઉ.વ.60) નામના વૃદ્ધ તેના ઘરની બાલ્કનીમાં ઉભા હતાં તે દરમિયાન અકસ્માતે નીચે પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર મોહિત દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.કે. રાતિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ટોડામાં આંબલીના ઝાડની ડાળીમાં ગળેફાંસો ખાઈ યુવાનની આત્મહત્યા
અગમ્યકારણોસર યુવાને જિંદગી ટૂંકાવી : જામનગરમાં બાલ્કનીમાંથી પટકાતા વૃદ્ધનું મોત