જામનગર નવી જેલ પાછળ આવેલા ગણેશવાસ વિસ્તારમાં રહેતા યુવાને અગમ્યકારણોસર તેના ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જામનગર શહેરના ખોડિયાર કોલોની રાજનગર વિસ્તારમાં રહેતાં વૃદ્ધા તેમના ઘરે દિવો કરતા સમયે અકસ્માતે દાઝી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતાં પ્રૌઢને તેના ઘરે છાતીમાં દુ:ખાવો થતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં નવી જેલ પાછળના ગણેશવાસ વિસ્તારમાં આવેલા રામદેવપીર ચોકમાં રહેતાં દિપક દેવનીભાઈ કબીરા (ઉ.વ.33) નામના યુવાને ગુરૂવારે સવારના સમયે તેના ઘરે કોઇ કારણોસર જિંદગીથી કંટાળીને સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પત્ની અરુણાબેન દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના ખોડિયાર કોલોની રાજનગર વિસ્તારમાં રહેતાં સરોજબેન નિરંજનભાઇ ખટુવાલા (ઉ.વ.61) નામના વૃદ્ધા બુધવારે સવારના સમયે તેના ઘરે દિવો કરતા હતાં તે દરમિયાન અકસ્માતે દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે નિખીલભાઈ દ્વારા જાણ કરાતા હેકો ડી.પી. ગુસાઈ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામનગર શહેરના શંકરટેકરીમાં વલ્લભનગર વિસ્તારમાં રહેતાં દિપકભાઈ ચનાભાઈ સોલંકી (ઉ.વ.51) નામના પ્રૌઢને ગુરૂવારે સાંજના સમયેતેના ઘરે છાતીમાં દુ:ખાવો થવાથી જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતા હેકો એચ.એ.પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.