જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.9મા યુવાનને તેના મિત્ર વિશે પૂછપરછ કરી જવાબ નહીં આપતા યુવાન ઉપર તલવાર વડે ત્રણ શખ્સો દ્વારા હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા મયુરસિંહ ભરતસિંહ જેઠવા નામના યુવાનના મિત્રને અગાઉ શિવો કપટા, દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન, હર્ષ ઉર્ફે ટકો નામના ત્રણ શખ્સો સાથે અગાઉ માથાકૂટ થઈ હતી અને આ માથાકૂટમાં મયુરસિંહને તેના મિત્ર વિશે પૂછપરછ કરતા મયુરસિંહે આ અંગે કોઇ જવાબ આપ્યો ન હતો. જેથી ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ મયુરસિંહ સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી તલવાર વડે જમણા હાથમાં હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ અંગેની જાણ થતા પીએસઆઈ આર.એ. વાઢેર તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ હુમલો અને ધમકીનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.