જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ નજીકના વિસ્તારમાં ત્રણ શખ્સોએ યુવાન પાસે દારૂ પીવાના પૈસાની માંગણી કરતાં યુવાની પૈસા આપવાની ના પાડતા ત્રણ શખ્સોએ મોઢા ઉપર સ્પ્રે કરી, છરીનો ઘા ઝીંકી, ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના એરફોર્સ રોડ પર આવેલા કોમલનગર શેરી નંબર ત્રણમાં રહેતો અને મજૂરીકામ કરતો જયેશ મંગાભાઇ ભાંભી (ઉ.વ.24) નામનો યુવાન ગત્ શનિવારે સાંજના સમયે ડો. આંબેડકર બ્રીજ નીચે દિગ્જામ સર્કલ પાસેથી પસાર થતો હતો ત્યારે જીતેશ ઉર્ફે જીતો દિનેશ મકવાણા અને બે અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ જયેશને આંતરીને દારૂ પીવાના પૈસાની માંગણી કરી હતી. જેથી જયેશએ મારી પાસે પૈસા નથી તેમ જણાવતા ત્રણેય શખ્સોએ જયેશના મોઢા ઉપર સ્પ્રે છાંટી દીધો હતો. ત્યારબાદ છરીનો એક ઘા ઝિંકયો હતો. તેમજ ઢીકાપાટુનો માર મારી અને પોલીસ કેસ કરીશ તો, પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા જીતેશને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એસ. એમ. સિસોદિયા તથા સ્ટાફએ ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.


