જામનગરના પાંચહાટડી વિસ્તારમાં બુધવારે રાત્રિના સમયે એક હોટલે ચા પીવા ગયેલા યુવાનને હોટલના સ્ટાફ દ્વારા મોડે સુધી ચા નહીં અપાતા હોટલના સંચાલકને આ અંગે ફરિયાદ કરી હતી. જેના પગલે ચાર શખ્સોએ એકત્ર થઈ આ યુવાનને અપશબ્દો બોલી માર માર્યો હતો. જેના પગલે ચા પીવા આવેલા લોકોમાં નાશભાગ મચી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના કાલાવડ નાકા બહાર આવેલ પાંચ હાટડી વિસ્તારમાં આવેલી કે.જી.એન. ચા ની હોટલમાં બુધવારે રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં હસન ઈબ્રાહિમ શેખ નામનો યુવાન ચા પીવા ગયો હતો તેેણે ચા નો ઓર્ડર આપ્યો હોવા છતાં ભીડને કારણે તેને ચા મળી ન હતી. આથી હસન શેખ દ્વારા હોટલના સંચાલકને ફરિયાદ કરી હતી કેે બધાને ચા આપો છો મને કેમ ના કહો છો ? તેમ કહેતા તે બાબતનો ખાર રાખી ચા ના થડા પર બેસેલા વ્યકિત અને હસન વચ્ચે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખી મુસ્તાક ઉર્ફે મુસો સમા, સલીમ સમા, વસીમ બીસ્ટોલ તથા અમીર બીસ્ટોલ નામના ચાર શખ્સોએ ફરિયાદીને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે ફરિયાદીએ ચાર શખ્સો વિરુધ્ધ સિટી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.