જામનગરના બેડી વિસ્તારમાં રહેતાં યુવાને બે માસ પહેલાં આપેલા 10 હજારની ઉઘરાણી કરતા બે ભાઈઓએ યુવાનને અપશબ્દો બોલી ઢીકાપાટુનો અને છરીના હાથા વડે માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આરંભી હતી.
આ બનાવની વિગત એવી છે કે, જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અને કપડાનો વેપાર કરતા અસગર હુશેનભાઈ કકકલ (ઉ.વ.42) નામના યુવાને બે માસ પૂર્વે ભુરો ડુટો નામના શખ્સને 10 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતાં અને આ રૂપિયાની માંગણી કરતાં કાદર ઉર્ફે ડુટો પારડી અને ભૂરો ઉર્ફે ડુડો પારડી નામના બે ભાઈઓએ બુધવારે બપોરના સમયે અસગરને આંતરીને બોલાચાલી કરી હતી તેમજ ઢીકાપાટુનો માર મારી છરીના લાકડાના હાથા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા હેકો આર.ડી. વેગડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ અસગરના નિવેદનના આધારે બે શખ્સો વિરૂધ્ધ હુમલાનો અને ધમકીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.